Thursday, 18 April 2013


હવે તો વિદ્યાસહાયકોની ભરતી કરો: ટેટ પાસ ઉમેદવારોની ગાંધીનગરમાં રેલી


ટેટની પરીક્ષામાં ઉત્ર્તીણ થયેલા ઉમેદવારોને રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬થી ૮માં વિષયોના શિક્ષક તરીકે હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા ભરતી કરવામાં ન આવતાં બુધવારે સવારે ગાંધીનગરમાં ઘ-જીરોથી એક મૌન રેલી યોજવામાં આવી હતી. જેમાં રાજ્યના વિવિધ જિલ્લાના ઉમેદવારો મોટી સંખ્યામાં ઊમટી પડયાં હતાં. ઉચ્ચ પ્રાથમિક શાળાઓના ભાવિ શિક્ષકો રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને આવેદનપત્ર આપવા ગાંધીનગરમાં આવ્યાં હતાં. તેમણે આવેદનપત્રમાં જણાવ્યું છે કે બાળકોના પાયાના શિક્ષણ માટે તેમજ અમારી રોજગારીનો પ્રશ્ન હલ થાય તે માટે અને અમને આમારી લાયકાત પ્રમાણે યોગ્ય ફરજ બજાવવાની તક મળે તે હેતુથી રાજ્યની ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં તાકીદે અમારી ભરતી કરવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે

ટેટ પાસ ઉમેદવારોના જણાવ્યાનુસાર ગુજરાત રાજ્ય ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં ધોરણ-૬થી ધોરણ- ૮ના શિક્ષકોની ભરતી માટે ર્બોડ દ્વારા વર્ષ ૨૦૧૨ના જૂન જુલાઇમાં ટેટની પરીક્ષા લેવામાં આવી હતી.જેનું પરિણામ જાહેર થયા બાદ થોડા સમયમાં ૧૩મી વિધાનસભાની ચૂંટણીને લઇને આચારસંહિ‌તા જાહેર થતા ભરતી પ્રકિયા અટકી ગઇ હતી. જો કે ત્યાર બાદ ર્બોડ દ્વારા હજુ સુધી ભરતી પ્રક્રિયા હાથ ન ધરવામાં આવતાં ટેટ પાસ લાયક ઉમેદવારોમાં અસંતોષ ઉભો થયો છે.

ભરતી પ્રકિયા શરૂ કરવાને લઇને ઉમેદવારો દ્વારા ર્બોડ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જે દરમિયાન કોઇ ઉમેદવારે વર્ષ ૨૦૧૨માં લેવાયેલી ટેટ પરીક્ષાને લઇને કોઇ કારણોસર ર્કોટમાં અરજી કરતાં ભરતી પ્રક્રિયા પર સ્ટે આવી ગયો હતો. જેના કારણે ર્બોડ પણ હાલ કોઇ નિર્ણય ન આવે ત્યાં સુધી ભરતી કરી શકતું નથી. આમ આ સમગ્ર પ્રક્રિયા ર્કોટ મેટર બની જતાં ભરતી ન થવાનાં વાકે લાયક ઉમેદવારોની ભરતીનો સમય લંબાઇ રહ્યો છે. આ તમામ બાબતને લઇને લાયક બેકાર ઉમેદવારો દ્વારા આ પ્રક્રિયાનો ઝડપી ઉકેલ લાવવાની માંગણી સાથે ગાંધીનગરમાં બુધવારે ઘ-૦ સર્કલથી ઘ-૩ સર્કલ સુધી રેલી રેલી કાઢવામાં આવી હતી. જેમાં આગામી શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલા લાયક ઉમેદવારોની ભરતી કરી લેવાંની વિનંતી સાથે ઉમેદવારો દ્વારા રાજ્યના શિક્ષણમંત્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.


No comments:

Post a Comment